Font Size

Cpanel

Republic day (પ્રજાસત્તાક દિન) (૨૬મી જાન્યુઆરી)

૧૯૨૯માં ડિસેમ્બર મહિનામાં પંડિત જવાહરલાલ નેહરુની હાજરીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન ભરાયું. આ અધિવેશનમાં પંડિતજીના નેતૃત્વ હેઠળ પૂર્ણ સ્વરાજ પ્રાપ્ત કરવાની ઘોષણા થઇ હતી. છતાંય ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ સુધી અંગ્રેજ સરકારના પેટનું પાણી પણ હલ્યું નહીં. છેવટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એ દિવસે ભારતની પૂર્ણ સ્વતંત્રતા મેળવવા માટેનો પાકો નિર્ણય લીધો. આ નિર્ણયને તાત્કાલિક અમલમાં મૂકી એ જ વખતે ઘોષણા કરી અને આંદોલન શરૂ કરવામાં આવ્યું. ત્યાર પછી તો છેક ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુધી એટલે કે દેશ આઝાદ થયો ત્યાં સુધી દર વર્ષે ૨૬મી જાન્યુઆરીનો દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઇ. આમ, દેશ આઝાદ થયો એટલે ૧૫ ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ રૂપે ઉજવવામાં આવ્યો છે અને ૨૬મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. આપણે, ભારતના લોકો... આ પંક્તિ ભારતીય બંધારણની પ્રસ્તાવનાની છે. બંધારણ સભાની રચના કેબિનેટ મશિન પ્લાન ૧૯૪૬ હેઠળ થઇ હતી. આમ, બંધારણ સભાની પહેલી બેઠક ૯ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ મળી હતી. સતત ત્રણ વર્ષ સુધી ગહન ચિંતન અને મનોમંથન કર્યા બાદ ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ ઘડવાનું કાર્ય પૂરું થયું અને આ જ દિવસે બંધારણ અપનાવવામાં આવ્યું. જોકે, ૨૬ જાન્યુઆરીનું ઐતિહાસિક મહત્વ જોતાં બંધારણ ૨૬ નવેમ્બરના રોજ અમલમાં ન મૂકતાં ૨૬મી જાન્યુઆરીના રોજ અમલમાં મૂકવામાં આવ્યું. આ રીતે ભારત આ દિવસે એક ગણતંત્ર રાષ્ટ્ર બન્યું. ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦નો સૂર્યોદય ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ની એ સવાર દેશવાસીઓ માટે સોનાનો સૂરજ બનીને આવી. એ દિવસે દેશના દરેક નાગરિકનો ચહેરો ખીલી ઊઠ્યો હતો. સૌ ખુશખુશાલ હતા. આ જ દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રર પ્રસાદે દિલ્હીના ઇરવિન સ્ટેડિયમમાં ૨૧ તોપોની સલામી આપી. ત્યાર પછી ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી ભારતીય ગણતંત્રના જન્મની ઐતિહાસિક ઘોષણા કરવામાં આવી. આ ગૌરવભર્યો કાર્યક્રમ જોવા માટે આશરે ૨૦ લાખ લોકોથી આખું સ્ટેડિયમ ખીચોખીચ હતું. અંગ્રેજોના શાસનકાળમાંથી મુક્તિ મેળવ્યાના ૮૯૪ દિવસ પછી આપણો દેશ પ્રજાસત્તાક બન્યો. ત્યારથી જ આજ સુધી દર વર્ષે આખા દેશમાં ગર્વ અને હોંશભેર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. ઝાંખી અને લોકનૃત્ય૧૯૫૨ની પરેડમાં પહેલી વખત વિવિધ રાજ્યોની ઝાંખીનો સમાવેશ કરવામાં આવ્યો. ૧૯૫૩ના પ્રજાસત્તાક દિવસથી રાજ્યના લોકનૃત્યો પણ પરેડમાં સામેલ કરવામાં આવ્યા. ગણતંત્ર દિવસે પરેડમાં ભારતીય સૈનિકો દ્વારા પરેડ કરવામાં આવે છે. પરેડ અને ઝાંખીના માધ્યમથી આપણે દેશની સંસ્કૃતિ અને સામાજિક વિવિધતાના દર્શન કરી શકીએ છીએ. શહીદોના બલિદાનનું પ્રતીક : અમરજયોત દર વર્ષે ૨૬મી જાન્યુઆરીની પરેડ શરૂ થાય એ પહેલાં વડાપ્રધાન, સંરક્ષણમંત્રી અને સેનાની ત્રણેય પાંખના પ્રમુખ ઈન્ડિયા ગેટ પર સ્થિત અમર જવાન જયોતિ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. પ્રથમ ગણતંત્ર દિવસે આવી કોઇ જ પરંપરા નહોતી. ૨૬મી જાન્યુઆરી, ૧૯૭૩થી આ પરંપરાની શરૂઆત થઇ. ૧૯૭૧ના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં આ જયોતિની સ્થાપના કરવામાં આવી હતી. કાળા રંગના આરસપહાણથી બનાવેલું સ્મારક અને વચ્ચે બંદૂક અને હેલમેટ તેમણે આપેલા બલિદાનના પ્રતીક છે. ચારેબાજુ હંમેશાં પ્રગટી રહેલી અમર જ્યોત શહીદોના બલિદાનની યાદ અપાવે છે. વિદેશી મહેમાન મુખ્ય મહેમાનને પ્રજાસત્તાક દિનની પરેડમાં આમંત્રણ આપવાની પરંપરા ૧૯૫૦ના પહેલા પ્રજાસત્તાક દિવસથી ચાલી આવી છે. પહેલાં મુખ્ય મહેમાન તરીકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકુર્ણો હતા. ૧૯૫૫માં પાકિસ્તાનના ગવર્નર જનરલ ગુલામ મોહંમદ અને ૧૯૬૫માં ખાદ્ય અને કૃષિમંત્રી રાણા અબ્દુલ હમીદ ગણતંત્રની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજર હતા. ૨૦૦૯માં ગણતંત્ર દિવસે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ નૂર સુલતાન મુખ્ય મહેમાન બન્યા હતા. તો ૨૦૧૦માં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી મ્યંગ-બાક પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.