Font Size

Cpanel

Festival - Uttarayan (ઉત્તરાયણ)

ભારતને ઉત્સવો અને પર્વોનો દેશ કહી શકાય. આમ જોવા જઈએ તો આ પર્વો, ઉત્સવો અને વ્રતોને આરોગ્ય સાથે ખૂબ જ નિકટનો સંબંધ છે. 

ભારતને ઉત્સવો અને પર્વોનો દેશ કહી શકાય. આમ જોવા જઈએ તો આ પર્વો, ઉત્સવો અને વ્રતોને આરોગ્ય સાથે ખૂબ જ નિકટનો સંબંધ છે. પ્રત્યેક પર્વ ક્યાં તો ઋતુચર્ય સાથે સંબંધ ધરાવતું હોય છે અથવા તો આરોગ્યના ખાસ નિયમો સાથે. આ ઉત્સવોમાં કરવામાં આવતી ક્રિયાઓ ભોજનમાં લેવાતાં આહારદ્રવ્યો તેમ જ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિ કે ઔષધદ્રવ્યોનો મહિમા સીધો કે આડકતરો આરોગ્યને સ્પર્શે છે.

મકરસંક્રાન્તિ શિયાળાનું મહિમાવંતું પર્વ છે. એમાં શિશિર ઋતુના આહાર, હવામાન અને એના વિહારની વિચારણા થઈ છે. સાથે-સાથે આ તહેવાર ઋતુસંધિ સમયે હોવાથી એનો ભૌગોલિક મહિમા પણ ઘણો છે. શિયાળાના ટૂંકા દિવસો હવે લાંબા થવાના અને રાતો ટૂંકી થવાની, ઠંડી ઘટવાની. સૂર્યની ગતિ બદલાવાના કારણે સઘળું વાતાવરણ ગરમ થવાનું. આ બધા માટે અનુકૂળ થવા આવશ્યક ફેરફાર સ્વીકારવા જરૂરી છે. પ્રત્યેક વર્ષે એ યાદ કરાવવા આર્યોએ મકરસંક્રાન્તિ ડે - ઉતરાણનો ઉત્સવ ઊજવવાનો શરૂ કર્યો.

મકરસંક્રાન્તિના દિવસે તલ-ગોળ-ખજૂર વગેરે ખાવાનું મહત્વ છે એ કંઈ એક જ દિવસ પૂરતું નથી સમજવાનું. ઉતરાણ જે શિશિર ઋતુમાં છે એ આખી ઋતુમાં એનું મહત્વ ગણવાનું છે. વ્યાયામરૂપી રમતગમત ઉતરાણ આ દિવસોમાં ગોઠવાય છે. આના પરથી એક વાત તો નક્કી છે કે શિયાળાની આખી ઋતુમાં વ્યાયામ-રમતગમત અને એમાં આનંદ જરૂરી છે.

મકરસંક્રાન્તિનો દિવસ એટલે માત્ર પતંગ ઉડાડવાનો દિવસ એવું નથી, પણ આ દિવસથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આપણે ત્યાં અને ખાસ કરીને ગુજરાતમાં તો પતંગ ઉડાડવાનો મહિમા અપરંપાર છે. નાના-મોટા સૌ ઉતરાણ આવતાં પહેલાંથી જ પતંગ ઉડાડવા માંડે છે અને સવારે વહેલા ઊઠીને તેમ જ સાંજે પણ માંજો-પતંગ ચગાવવામાં વ્યસ્ત થઈ જાય છે. 

આ વખતે પતંગ ઉડાડવામાં, માંજો લપેટવામાં, વીંટવામાં કસરત તો થાય જ છે; સાથે-સાથે સૂર્યપ્રકાશના સેવનથી વિટામિન ડી પણ સારું એવું મળે છે એટલે શરીરને ખૂબ સારો લાભ થાય છે. લોકો ‘લપે....ટ’ અથવા ‘કાપ્યો છે’ એમ જોરથી બોલી-ચીસ પાડી પોતાનો વિજય અને આનંદ વ્યક્ત કરે છે, જેથી ફેફસાંની પણ સારી કસરત થાય છે.

પતંગ ચગાવવા માટે હંમેશાં ઘરેથી દૂર જવું પડે છે, ચાલવું પડે છે, ઊંચે ચડવું પડે છે, પતંગમાં દોરી બાંધવી પડે છે, કાણાં પાડવાં (અણીદાર વસ્તુ અથવા કાંડી કે અગરબત્તી વડે)  પડે છે અને ત્યાર પછી એમાં કન્ના બાંધવી પડે છે.

અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પતંગના કારણે થતા ઝઘડા, ઈષાર્, પતંગ લૂંટવાની બદદાનત, નાના કે નબળાને દબાવવાની વૃત્તિ, કોઈનાં છાપરાં ભાંગી નાખવાની કુટેવ અને ખાવા-પીવા-સૂવાની પરવા કર્યા વિના પતંગ ઉડાડવાની થતી અનિયમિતતા એ બધું આરોગ્યઘાતક બને છે. ક્યારેક પતંગ પકડવાને કારણે થતા ઝઘડા આરોગ્ય તેમ જ જાનને પણ જોખમમાં મૂકે છે.

પતંગ ઉડાડવાની પ્રથાને હવામાન, સામાજિક એકતા, એકાગ્રતા વગેરે અનેક બાબતો સાથે સંબંધ છે; પણ સૌથી વધુ સંબંધ છે આરોગ્ય સાથે. તલ, સિંગ અને મમરાની ગોળવાળી ચિક્કી આ સીઝનમાં ખાવી જ જોઈએ. એનું કારણ છે. તલ સ્નિગ્ધ ગુણવાળા, ઉષ્ણર્વીય અને મધુર રસ ધરાવે છે. તલ ત્વચા અને વાળના પોષણ માટે ગુણકારી છે. તલ પચવામાં ભારે હોય છે. તલ અગ્નિ પ્રદીપ્ત કરે છે, વાયુનું શમન કરે છે અને કફ તેમ જ પિત્ત વધારે છે. તલનો પ્રયોગ ડાયાબિટીઝમાં પણ થાય છે. એનાથી મૂત્રની માત્રા ઓછી થાય છે. તલ શરીરની નબળાઈ દૂર કરે છે અને મસ્તિષ્કની નબળાઈને કારણે થતી તકલીફોમાં પણ કામ આપે છે. તલ યાદશક્તિ વધારે છે. નવો ગોળ ઉષ્ણ અને ગુરુ છે. એ કફ અને વાયુનું શમન કરે છે. જૂનો ગોળ રસાયણ છે. એ પિત્ત અને વાયુનું શમન કરે છે, પીડાનાશક છે, એનિમિયામાં સારું કામ કરે છે. પ્રમેહમાં પણ એ આપવામાં આવે છે. એ અગ્નિવર્ધક છે.  

નાસ્તિતૈલાત પરમ સ્નેહં એટલે કે તલના તેલ જેવું સ્નિગ્ધ કંઈ નથી.