Font Size

Cpanel

Festival - Parshuram Jayanti (પરશુરામ જયંતિ)

આરાઘ્ય દેવ મહાદેવ દ્વારા પ્રાપ્ત અમોધ ‘પરશુ’ ઉઠાવી સહસ્ત્રાર્જુનના દશ હજાર પુત્રોનો સંહાર કર્યો ત્યારથી તેઓ ‘પરશુરામ’ કહેવાયા. તેઓ ભીષ્મ પિતામહ અને કુંતીપુત્ર કર્ણના પણ વંદનીય ગુરુ હતા. જ્યાં સુધી ભીષ્મ પિતામહ હતા ત્યાં સુધી ભગવાન પરશુરામ મહાભારત યુદ્ધના શ્રેષ્ઠ જ્ઞાની, નીતિવિષયક અને સેનાપતિ તરીકે પણ રહી ચૂક્યા હતા.lord parshuram

વૈશાખ સુદ ત્રીજ, અક્ષયતૃતીયા એટલે અખાત્રીજનું ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે. અક્ષયતૃતીયા એ સ્વયંસિદ્ધ ઈશ્વરીય તિથિ હોવાથી આ દિવસે વણજોયું મુહૂર્ત કહેવાય. આ એ જ દિવસ છે કે જે દિવસે કલિયુગનો પ્રારંભ થયો હતો. ચારધામમાંનું એક ભગવાન બદરીનારાયણ મંદિરનાં દ્વાર પણ આ જ દિવસે ખૂલે છે. આખું વર્ષ ચરણકમળ વસ્ત્રાચ્છાદિત વૃંદાવન સ્થિત બાંકે બિહારીજીના ચરણાર્વિંદનાં દર્શન પણ આ જ દિવસે થાય છે. ક્ષત્રિયકુળના જમદગ્નિ ઋષિ અને રેણુકાદેવીના પંચમપુત્ર એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર રામનું અવતરણ પણ આ દિવસે થયું હતું. જે પાછળથી ‘પરશુરામ’ નામથી જગપ્રસિદ્ધ થયા.

ચિરંજીવી, શૌર્યતા અને જ્ઞાનનું પ્રતીક : હિંદુઓનાં તેત્રીસ કરોડ દેવી-દેવતાઓમાંથી જે સાત મહાપુરુષો ચિરંજીવી છે એમાંના એક ભગવાન પરશુરામ આજે પણ મહારાષ્ટ્રના ચિપલૂણ ગામે અજર-અમર ગુપ્તવાસ કરે છે એવી હિન્દુ માન્યતા છે. પરશુરામે ગુરુ દત્તાત્રેય પાસેથી મેળવેલ જ્ઞાનની વિદ્યા દ્વારા તથા જગતની અંદર તેમણે કરેલાં સત્કર્મો તથા આત્મબળની વિદ્યા મેળવીને હજારો વર્ષ સુધી સમાજ આગવી રીતે ઓળખે તે માટે ચિરંજીવી પદને પામ્યા. તેથી ભારતીય સમાજ ભગવાન પરશુરામને શૌર્યના પ્રતીક તરીકે યાદ કરીને અખાત્રીજના રોજ પરંપરાગત પરશુરામ જયંતી ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસથી ઊજવે છે.

પરશુરામ બ્રહ્મતેજને એક અલગ પ્રકારે ક્ષાત્રતેજ સાથે સંમિલિત કરી વિશિષ્ટ ઓળખ બક્ષનારા મહાપુરુષ તરીકે ઇતિહાસમાં જગવિખ્યાત છે. એમના અસાધારણ વ્યક્તિત્વ અને કતૃત્વની સાથે એમની સિદ્ધિઓની જેમ જ સંકળાયેલી રામાયણ અને મહાભારતની કથાઓ અસાધારણ છે. શ્રીરંગ અવધૂત રચિત ‘ગુરુલીલા મૃત’ ગ્રંથના પ્રથમ જ્ઞાનકાંડમાં ‘પરશુરામ’ના આખ્યાનનો સમાવેશ કરવામાં આવેલ છે. કામરૂ પ્રદેશ ‘આસામ’માં વહેતી બ્રહ્મપુત્રા નદીનું વહેણ ભારતમાં થઈને પસાર થવા પાછળ પરશુરામની કથા જોડાયેલી છે.

માતૃ અને ભ્રાતૃભક્ત પરશુરામ : પરશુરામની જન્મદાત્રી દેવી રેણુકા નિત્યક્રમ અનુસાર એક દિવસ સ્નાનાદિથી પરવારીને પુષ્પો વગેરે લઇને આશ્રમ તરફ આવતાં હતાં ત્યાં જંગલમાં એક યુગલની પ્રણયક્રીડા જોઈને રેણુકાના મનમાં પણ મોહમાયા ઉત્પન્ન થઈ અને સાથે થયું તપોભંગ. પરિણામે એમની અસામાન્ય સિદ્ધિઓ ઉપર પાણી ફરી વળ્યું. આખુંયે વૃત્તાંત જાણી જમદગ્નિ ભારે ક્રોધિત થયા અને પોતાના પુત્રોને દેવી રેણુકાના શિરચ્છેદની આજ્ઞા કરી. 

ચારમાંથી એકેય દીકરો માતૃઘાત કરવા તૈયાર ન થતાં જમદગ્નિ ભારે ક્રોધિત થયાં અને તેમના ક્રોધની આગમાં ચારેય દીકરા ભસ્મીભૂત થયા. માતા પ્રત્યે અપાર લાગણી હોવા છતાં પિતૃઆજ્ઞાને માન આપીને પરશુરામે દેવી રેણુકાનો વધ કર્યો. પોતાની જન્મદાત્રી માતાનો માત્ર પિતૃઆજ્ઞાની પાલન ખાતર વધ કરનારા પરશુરામ અત્યંત દુ:ખી થયા ત્યારે જમદગ્નિ ઋષિ પરશુરામને કોઈ વરદાન માંગવા કહે છે, ત્યારે પરશુરામ માતા સહિત ચારેય ભાઈઓનાં નવજીવનની પિતાને પ્રાર્થના કરે છે. પિતા જમદગ્નિ પુત્ર ઉપર પ્રસન્ન થઈને માતા રેણુકા અને ચારેય ભાઈઓને સજીવન કરે છે.

પિતૃભકત પરશુરામ : હૈહયવંશી કાર્તવીર્ય અર્જુન નામનો ક્ષત્રિય રાજા હતો. તેણે ગુરુ દત્તાત્રેયની આરાધના કરી. તેમની પાસેથી હજાર હાથ અને કોઈનાથી તેનો નાશ ન થઈ શકે તેવું વરદાન મેળવ્યું હતું. તેથી તે સહસ્ત્રાર્જુન કહેવાયો. એક દિવસ સહસ્ત્રાર્જુન પોતાના સૈન્યની સાથે જંગલમાંથી પસાર થતો હતો ત્યારે તેણે દૂરથી જમદગ્નિ ઋષિનો આશ્રમ જોયો. રાજા જમદગ્નિના આશ્રમમાં ગયા અને ઋષિને પ્રણામ કરીને આશીર્વાદ મેળવ્યા. 

જમદગ્નિ ઋષિએ ખુશ થઈને રાજાને સૈન્ય સહિત જમવાનું આમંત્રણ આપ્યું. રાજા જમદગ્નિ આશ્રમનો વૈભવ જોઈને આશ્ચર્યચકિત થયા. રાજાને જાણવા મળ્યું કે જમદગ્નિ ઋષી પાસે ‘કામધેનુ’ ગાય છે તેના પ્રતાપે જ આશ્રમનો વૈભવ જળવાઈ રહે છે. બસ, ત્યારથી રાજાએ ‘કામધેનુ’ ગાય પ્રાપ્ત કરવાની રાજહઠ પકડી. રાજાએ જમદગ્નિ ઋષિ પાસે કામધેનુ ગાયની માગણી કરતાં ઋષિએ સ્પષ્ટ ઇન્કાર કર્યો. આખરે રાજા સૈન્યના બળથી કામધેનુ ગાયને જબરદસ્તીથી પોતાની સાથે લઈ ગયા. જ્યારે પરશુરામ ત્યાં આવ્યા ત્યારે ભાઈઓએ સઘળી બાબતથી વાકેફ કર્યા. 

પરશુરામ આ વાત સાંભળીને અત્યંત ક્રોધિત થઈ ગયાં અને હાથમાં ફરસી લઈને સહસ્ત્રાર્જુનને મારવા દોડ્યા. સહસ્ત્રાર્જુન અને પરશુરામની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પરશુરામે એકલા હાથે સેનાનો સંહાર કરી ફરસીથી સહસ્ત્રાર્જુનની એક હજાર ભુજાઓ કાપીને, મસ્તક ઉડાવી વધ કર્યો અને કામધેનુ ગાયને છોડાવીને પિતાશ્રીને આશ્રમમાં પરત સોંપી દીધી.

રાજા સહસ્ત્રાર્જુનની હત્યાના પાપના પ્રાયિશ્ચત્તરૂપે પરશુરામે સમગ્ર ભરતખંડની યાત્રા શરૂ કરી. તે દરમિયાન પિતાની હત્યાની પ્રતિશોધની આગમાં સળગી રહેલાં અર્જુનપુત્રોએ યજ્ઞશાળામાં ઘ્યાનસ્થ જમદગ્નિ ઋષિની હત્યા કરી. પરશુરામનું લોહી ઊકળી ઊઠ્યું. પોતાના નિર્દોષ પિતાના હત્યારા એવા અત્યાચારી ક્ષત્રિયોને પૃથ્વી ઉપરથી નિર્મૂળ કરવાના ઇરાદાથી એમણે આરાઘ્ય દેવ મહાદેવ દ્વારા પ્રાપ્ત અમોધ ‘પરશુ’ ઉઠાવી સહસ્ત્રાર્જુનના દશ હજાર પુત્રોનો સંહાર કર્યોત્યારથી તેઓ ‘પરશુરામ’ કહેવાયા. પોતાની પ્રતિજ્ઞાના ભાગરૂપે એમણે એક-બે-નહીં પૂરી એકવીસ વખત પૃથ્વી ઉપરથી ક્ષત્રિય જાતિનું નિકંદન કાઢી નાખ્યું અને સમગ્ર પૃથ્વી પોતાના ગુરુ કશ્યપ ઋષિને ભેટ ધરી દીધી.

ગુરુ શક્તિનો પરચો : પરશુરામ સાથે રામાયણ અને મહાભારતના કેટલાક પ્રસંગો સંકળાયેલા છે. રામાયણમાં સીતા સ્વયંવર વખતે ભગવાન પાશુપતનું ધનુષ્ય ભંગ કરવાનો પ્રસંગ હોય કે મહાભારતમાં કાશી નરેશની પુત્રીઓના સ્વયંવરમાંથી ભીષ્મ દ્વારા રાજકુમારીઓના હરણની ઘટના હોય ત્યારે પરશુરામે એક વીર પુરુષ તરીકેની ભૂમિકા ભજવી છે.

પરશુરામે રામાયણ કાળની અંદર વિજ્ઞાન સહિતની ટેકનોલોજીથી રામ-લક્ષ્મણને ધનુષવિદ્યા શીખવી હતી. તેઓ ભીષ્મપિતામહ અને કુંતીપુત્ર કર્ણના પણ વંદનીય ગુરુ હતા. જ્યારે કર્ણએ છળકપટ અને જુઠ્ઠું બોલીને પરશુરામ પાસે ધનુષવિદ્યા મેળવી ત્યારે કર્ણને શ્રાપ આપ્યો કે : હે, કર્ણ તેં ગુરુ સાથે વિશ્વાસઘાત કર્યોછે. મેં શીખવેલ ધનુષવિદ્યા અણીને સમયે તું ભૂલી જઈશ અને તે તારા મૃત્યુનું કારણ બનશે. આમ પરશુરામનો શ્રાપ યથાર્થ થયો અને કર્ણ મહાભારતના યુદ્ધમાં વીરગતિને પામ્યો. આમ વિદ્યારૂપી ધન પાછું લઈને ગુરુશક્તિનો પરચો પરશુરામે બતાવેલ.

જ્યાં સુધી ભીષ્મપિતામહ હતા ત્યાં સુધી ભગવાન પરશુરામ મહાભારત યુદ્ધના શ્રેષ્ઠ જ્ઞાની, નીતિવિષયક અને સેનાપતિ તરીકે રહી ચૂક્યા હતા. અગ્નિપુરાણમાં દર્શાવ્યા અનુસાર પરશુરામે મહેન્દ્ર પર્વત ઉપર વસવાટ કર્યો હતો. પરશુરામે સમુદ્રને ભેદીને જમીન વિસ્તાર ઊભો કર્યો હતો જે કોંકણ તરીકે આજેય પ્રખ્યાત છે. આમ પરશુરામનો જન્મ અનેક રહસ્યોથી ભરપૂર છે અને દેવતાઓ માટે પડકાર રૂપ છે. પરશુરામના પ્રાગટ્યદિને આપણે સૌ તન, મન, બુદ્ધિ અને અહંકારનું શુદ્ધિકરણ કરીને ભગવાનને પામીએ. જય જય પરશુરામ.